melancholy
એક વાર્તા : "મરીઝની Melancholy"
"તમારી લટકતી લટોને જરા કાબૂમાં રાખો,
કેટલાંય દિલોને ઘાયલ કર્યા, વાળમાં તેલ તો નાખો".
ના, આ મરીઝની શાયરી નથી. આ મજનુ સૂકલકડીનો શેર છે. નિશ્તિ બારમા ધોરણમાં હતી ત્યારે ક્યારેક વાળમાં તેલ નાખવાનું રહી જતું, અને સોસાયટીના નાકે ઉભો રહેતો એ સૂકલકડી શાયર આ શેરથી નિશ્તિની છેડતી કરતો. પછી નિશ્તિ કોલેજના છેલ્લાં વરસમાં હતી ત્યારે એની સગાઇ થઈ, ત્યારે ચમન નામનો એનો એક બોયફ્રેન્ડ (હા, ચારમાંથી ખાલી એક જ એવો હતો) એના ગમમાં શાયરીઓ લખવા માંડ્યો,
"મુહોબ્બત મળે ના મળે, બસ જફા છે
સનમ બેવફા છે, સનમ બેવફા છે"
- © ચમનિયો ફૂટલા દિલવાળો.
આવી બધી શાયરીઓ નિશ્તિએ વર્ષો સુધી સાંભળી હતી. એટલે એ એમ સમજતી હતી કે, કવિતા એટલે કાગળ પર રોવાની એક પ્રક્રિયા અને કવિ એટલે રોતલ માણસ (આપણે જેને "રોતડો" કહીએ એ). એને હતું કે જેને કોઇ બોયફ્રેન્ડ/ગલફ્રેન્ડ મળતું ના હોય, અથવા છોડીને જતા રહ્યા હોય એવા કુંવારા લોકો દુખી થઈને કવિતા લખે. અથવા જે પરણેલા પુરુષ હોય જેમને એમની બૈરી કાયમ મહેણાં ટોણા માર્યા કરતી હોય, અથવા પરિણિત સ્ત્રીઓ જેમને એમનો પતિ રવિવારે પિક્ચર જોવા ના લઈ જતો હોય... એ બધાં દુઃખી થઈને કવિતા લખે.
લોકડાઉન દરમિયાન મે મહિનામાં એક દિવસ જ્યારે નિશ્તિએ એના પતિદેવની ફેસબુક પ્રોફાઇલ ચેક કરી, ત્યારે એના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. એણે જોયું કે પતિદેવ તો ખાસ્સા સમયથી કવિતાઓ લખે છે. એને થયું, "હાય અલ્લાહ! હે રામ! હું આટલી ખરાબ છું કે મારા પતિને કવિતાઓ લખવી પડે!" એણે શાંતિથી પતિનો સારો મૂડ હતો ત્યારે પૂછ્યું, "તમને મારા હાથનું જમવાનું નથી ભાવતું?" પતિદેવ કહે, "ભાવે છે ને!" નિશ્તિ બોલી, "મેં તમને ખોટું લાગી જાય એવું ક્યારેય કશું કહ્યું?" પતિદેવ કહે, "ના, ના! પણ કેમ આવા વિચિત્ર સવાલ?" બસ, પછી નિશ્તિની આંખોમાં ભરેલો સાગર બેકાબૂ થઈ ગયો. એની દાઢીના ભાગ પરથી નીચે તડાતડ પડતા આંસુઓ સાથે એણે ચીસ પાડીને પૂછ્યું, "તો પછી તમારે કવિતાઓ કેમ લખવી પડે છે? તમારે કઇ વાતનું દુખ છે? તમે કહ્યું ત્યારથી હું તો બાથરૂમ પણ એસિડથી નથી સાફ કરતી, શાકમાં તેલ પણ ઓછું નાખું છું... પછી કવિતાઓ કેમ?"
કવિ પતિ : 'અચ્છા, એટલે તને ખબર છે કે જેને પીડા હોય એ જ કવિતા લખે?'
નિશ્તિ : 'હાસ્તો. એવું તો કવિતા લખનારાઓ સિવાય બધાને ખબર જ હોય છે.'
કવિ પતિ : 'તારી વાત સાચી છે. દર્દમાંથી જ સારી કવિતા બને.'
નિશ્તિ : 'હા, મેં જોયું કે તમારી કવિતા બહુ સારી નથી હોતી. તો પણ દર્દમાંથી જ આવી હોય એમ લાગે છે. પણ દર્દ ક્યાંથી આવ્યું એ કહો, નહીં તો વેલણ... પછી શરીરમાં પણ દર્દ થશે.'
કવિ પતિ (થોડા ગર્વથી) : 'જેનામાં કવિના લક્ષણ હોય એ જ કવિ બને. બસ, એવા લક્ષણ હોય પછી દર્દ તો ક્યાંકથી ને ક્યાંકથી મળી જાય.'
નિશ્તિ : 'ઓહ! એટલે પેલી સામેવાળી સમિતા? કે પછી તમારી ચાંપલી સેક્રેટરી ચમેલી?"
કવિ પતિ : 'એવું ના હોય, ગાંડી! જો, હારુકી મુરાકામી એના પુસ્તક 'કાફકા ઓન ધ શોર'માં કહે છે કે ખુશી તો ફક્ત એક જ સ્વરુપે હોય પણ દુખ દરેક આકારમાં અને દરેક કદમાં ઉપલબ્ધ હોય.'
નિશ્તિ : 'તમારી એ હાલાકી અને મૂર્ખામી અને એના બાટલા મને ના સમજાવશો.'
કવિ પતિ : 'અરે! હાલાકી મૂર્ખામી નહીં... Haruki Murakami મહાન જાપાનીઝ લેખક છે. બાટલા નહીં, Kafka. ખેર, તું સમજ કે...
આપણી આસપાસ જેટલા પણ માણસો ખુશ દેખાય છે, કે જ્યારે પણ ખુશ દેખાય છે એ બધાની ખુશી એક જ પ્રકારની હોય છે. વિચારીએ કે, ખુશીને વ્યક્ત કરવી છે તો એની અભિવ્યક્તિ મર્યાદિત રીતે જ થઈ શકે. ખુશીમાંથી વાર્તા બનાવો તો એમાં વાર્તા જેવું કંઈ રહે જ નહીં. ખુશીનું ચિત્ર દોરો તો બીબાઢાળ ચિત્ર જ બને. પણ જો દર્દ, વેદના, પીડાને વ્યક્ત કરવાની હોય તો એના ઘણાં રસ્તા હોય, ઘણી વિવિધતા હોય. દુઃખની આસપાસ જ વાર્તા બને, ખુશીની આસપાસ નહીં. વેદના, પીડાનું ચિત્ર હોય એ જ તમારું ધ્યાન ખેંચે. ટોલ્સટોય કહે છે કે તમે સુખી કુટુંબોને જોશો તો એ બધા એક જ રીતે, એક જ લાગણીમાં સુખી હશે. પણ દુખી કુટુંબોનું દરેકનું અલગ પ્રકારનું દુખ હશે. વ્હાલી, દુઃખમાં અને દર્દમાં જ વિવિધતા છે. અને વિવિધતા એ કળાનો પ્રાણ છે. દર્દ વગરની કળા એ હ્યદય વગરના માણસ જેવી હોય.
પણ એનો અર્થ એ નથી કે, પત્ની ત્રાસ આપે કે બોયફ્રેન્ડ છોડી દે તો જ દર્દ મળે. દર્દ આપણા દરેકમાં ઉંડે ક્યાંક રહેલું જ છે. એને melancholy કહે છે. બસ, આપણે એટલા ઉંડા જવું પડે. ખુશ માણસ એટલા માટે ખુશ છે કે એ બહુ ઉંડાણમાં જતો નથી. મરીઝ, જોન એલિયા, પરવીન શાકિર... એ લોકો કાયમી દુઃખી લોકો નહોતા. એ લોકો પણ હસતા હતા, પાર્ટી કરતા હતા, જીવનની મજા માણતા હતા. પણ એ લોકો ઉપરછલ્લી ખુશીમાંથી ઘણી વખત અંદરની melancholy સુધી જઈ શકતા હતા. બસ, એ melancholy એમની કળાનો સ્ત્રોત હતી. Melancholy અનુભવવી એ કોઇ દુઃખી થવા જેવી વાત નથી, એ એક મેડિટેશન જેવી વસ્તુ છે. લે, આ મરીઝનું 'આગમન' વાંચ. કોઇપણ પાંચ સાત ગઝલ વાંચીને સમજ, ઉંડો વિચાર કર. તને પણ melancholy નો અનુભવ થશે. તારી ખુશીની નીચેનું દુ:ખ અનુભવાશે. અને એક્ચુલી એમાં મજા આવશે."
નિશ્તિએ "આગમન" આખી વાંચી લીધી છે, જોન એલિયાના મુશાયરા યુ ટ્યુબ પર જોઇ લીધા છે. મરીઝ પછી પરવિન શાકિર એની ફેવરિટ છે. અને નિશ્તિ હવે હાસ્ય નવલકથાઓ પણ વાંચે છે ત્યારે હાસ્યની અંદર રહેલી melancholy અનુભવી શકે છે, માણી શકે છે. જોકે એના પતિની કવિતાઓ એને બિલકુલ નથી ગમતી.
- નિમિતા "યાશી"
ખુશી તો ફક્ત એક જ સ્વરુપે હોય પણ દુખ દરેક આકારમાં અને દરેક કદમાં ઉપલબ્ધ હોય.'
દર્દ વગરની કળા એ હ્યદય વગરના માણસ જેવી હોય.
"મરીઝની Melancholy"
Comments
Post a Comment